ચૂંટણી રેલીમાં રડી પડી આ એક્ટ્રેસ, આઝમ ખાન પર લગાવ્યો દુર્વ્યવહારનો આરોપ
abpasmita.in | 04 Apr 2019 11:57 AM (IST)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રામપુરથી સપાની ટિકિટ પર બે વખત સાંસદ રહેલ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે જયાપ્રદાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી. તેની સાથે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, રાજ્યમંત્રી બળદેવ ઔલખ અને ભાજપના જિલ્લાધ્યક્ષ મોહન લાલ સૈની પણ હાજર રહ્યા હતા. બુધવારે જ જયા પ્રદાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા તેણી મંદિરમાં ગઈ હતી અને પૂજા કરી હતી. જે બાદમાં તેમણે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાના સંબોધતી વખતે જયાએ અપ્રત્યક્ષ રીતે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર પ્રહાર કર્યા હતા. જયા પ્રદાએ કહ્યું, "હું ગરીબો માટે કામ કરવા માંગતી હતી પરંતુ તેઓ કરવા દેતા ન હતા. તેમની વિરુદ્ધ કંઈ કરવા પર જેલમાં મોકલી દેવામાં આવતા હતા." જયા પ્રદાએ વધુમાં કહ્યું કે, "હું રામપુર છોડવા માંગતી ન હતી પરંતુ મજબૂરીમાં છોડીને ગઈ હતી. હું સક્રિય રાજનીતિમાં એ માટે ન આવી કારણ કે મારા પર એસિડથી હુમલો કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. મારા પર હુમલો થયો હતો. આજે હું ખુશ છું કે આખી ભારતીય જનતા પાર્ટી મારી સાથે છે." આ સમયે જયા પ્રદા ભાવુક થઈ ગયા ગતા.