કોલકાતાઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે, આ વખતે પાર્ટીએ 40.5 ટકા ટિકિટ મહિલાઓને આપવાનો ફેંસલો કર્યો છે. જે પાર્ટી માટે ગર્વનો વિષય છે.


કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે, વિવિધ કારણોસર ટીએમસીએ પાંચ વર્તમાન સાંસદોને ટિકિટ આપી નથી. અભિનેત્રી અને બાંકુરાથી સાંસદ મુનમુન સેન આ વખતે આસનસોલથી ચૂંટણી લડશે. પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બૈરકપુરથી ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે. બાંગ્લા ફિલ્મોની સ્ટાર નુસરત અને મીમી ચક્રવર્તી પણ ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી લડશે.


તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ ઉપરાંત ઝારખંડ, બિહાર અને આસામની કેટલીક સીટો પર લોકસભા ચૂંટણી લડવાની સાથે જ ઓડિશા વિધાનસભાની 10 સીટો પર ઉમેદવાર ઉતારશે. મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળની 42 સીટો ઉપરાંત ઝારખંડમાં 5, આસામમાં 6, બિહારમાં 2 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતારશે. જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબમાં પ્રાદેશિક પક્ષોને સમર્થન આપવાનો ફેંસલો કર્યો છે.


નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે, આ સરકારના જવાનો સમય આવી ગયો છે. આગામી સમયમાં દેશને લોકોની સરકારની જરૂર છે. તેમણે સરકાર પર આગામી લોકસભા ચૂંટણી પહેલા લોકોને લોભાવવા માટે સૈન્ય કૌશલનું પ્રદર્શન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વિપક્ષો દ્વારા બનાવવામાં આવનારી નવી સરકાર આતંકવાર સામે લડશે અને કાશ્મીર શાંતિ સ્થાપશે તેવો દાવો પણ મમતા બેનર્જીએ કર્યો હતો.