ચંદીગઢઃ ગુરદાસપુરથી ચાર વખતના સાંસદ અને જાણીતા અભિનેતા સ્વ. વિનોદ ખન્નાની પત્નીએ તેને ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. પતિની પરંપરાગત બેઠક પરથી ટિકિટ મળવાની પ્રતિક્ષા કરી રહેલા કવિતા ખન્નાએ કહ્યું કે, અભિનેતા સની દેઓલને ગુરદાસપુર લોકસભા સીટ પરથી ટિકિટ મળવાથી હું છેતરાઇ હોવાનો અનુભવ કરી રહું છું અને અપક્ષ ચૂંટણી લડવા સહિત અનેય વિકલ્પ પર વિચાર કરી રહી છું. ભાજપે મંગળવારે સાંજે ગુરદાસપુરથી સની દેઓલને ઉમેદવાર જાહેર કર્યા હતા.


કવિતા ખન્નાએ બુધવારે કહ્યું, "હું છેતરાઇ હોવાની લાગણી અનુભવી રહી છું. જે લોકો મને સાંસદ બનતી જોવા માંગતા હતા તેમની લાગણીની અવગણના કરવામાં આવી છે. હાલ હું તમામ વિકલ્પો પર વિચારી રહી છું. સ્વ. વિનોદ ખન્ના સાથે મેં ગુરદાસપુરના લોકોની 20 વર્ષ સુધી સેવા કરી છે."

તેણે એમ પણ જણાવ્યું, "મને ઇશ્વર પર વિશ્વાસ છે. મેં અહીંયા 20 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે વિનોદની તબિયત સારી નહોતી ત્યારે હું અહીંના લોકોને મળતી હતી. આ લોકો મને સાંસદ બનતા જોવા ઇચ્છતા હતા. ટિકિટ મળવાની આશાએ કવિતાએ ગુરદાસપુરના લોકો અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે છેલ્લા અનેક સપ્તાહથી બેઠક કરતી હતી."

વિનોદ ખન્નાના નિધન બાદ એપ્રિલ 2017માં થયેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડનો વિજય થયો હતો. જાખડે ભાજપના સ્વર્ણ સાલારિયાને 1,93,219 વોટથી હાર આપી હતી. તે સમયે પણ કવિતાએ ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો હતો. વિનોદ ખન્ના અહીંયાથી 1998, 1999, 2004 અને 2014માં વિજેતા બન્યા હતા.

BJPએ વધુ એક યાદી કરી જાહેર, આ એક્ટરને ગુરુદાસપુરથી આપી ટિકિટ

RBIની મોટી જાહેરાત, 200 અને 500 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો જૂની નોટનું શું થશે