અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઈપણ પક્ષ સભા, રેલી કે લાઉડ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી. રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિશ્ચનને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 10 માર્ચે ચૂંટણી તારીખો જાહેર થયા બાદ નોમિનેશન, જાહેરનામું લાગુ થયું હતું. હવે મતદાનના 48 કલાક સાયલન્ટ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રચાર પડઘમ શાંત થઇ જશે કોઇ પાર્ટી લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં.

આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 371 ઉમેદવારો મેદાન છે. જેમાં રાજ્યના 4 કરોડ 51 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકો દ્વારા મહત્તમ કેમ્પેઇન થાય તેવા કાર્યક્રમો ગોઠવાયા હતા. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં સભા કરીને અને અમિત શાહએ સાણંદમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ડીસા ખાતે, જ્યારે ફિલ્મ એક્ટ્રેસ અમિષા પટેલે વડોદરામાં પ્રચાર કર્યો હતો. નવજોતસિંઘ સિંધુએ ભાવનગરમાં રોડ-શો કરી જાહેરસભા સંબોધી હતી.

રવિવારે સાંજ પછી તમામ પક્ષો દ્વારા જાહેર પ્રચાર બંધ કરી દીધો હતો પરંતુ છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર, ગૃપ મિટિંગ અને જન સંપર્કનો દોર ચાલુ રાખશે. ઉમેદવારો અને તેમના કાર્યકરો દ્વારા લોકોના ઘરે ઘરે જઇને સંપર્ક કરાશે.

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત