નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર દરમિયાન એક યુવકે થપ્પડ મારી છે. અરવિંદ કેજરીવાલ મોતીનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બૃજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. યુવક અચાનક રોડ શો કરી રહેલા કેજરીવાલની કારના બોનેટ પર ચડી ગયો અને થપ્પડ મારી દિધી હતી. આપ સમર્થકોએ થપ્પડ મારનાર યુવકની ધોલાઈ કરી હતી. હાલ યુવકની પોલીસે ધરપકડ કરી છે અને પુછપરછ કરવામાં આવી રહી છે.


આપ નેતા સંજય સિંહે આ ઘટનાની નિંદા કરતા દિલ્હી પોલીસ અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. સંજય સિંહે ટ્વિટર પર લખ્યું, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષા મોદી સરકારને આધીન છે પરંતુ કેજરીવાલનું જીવન સૌથી અસુરક્ષિત છે. વારંવાર હુમલો થવો અને પછી પોલીસનું રોવું કે શું કાવતરૂ છે આની પાછળ? હિંમત હોય તો સામે આવીને વાર કરો બીજાને હથિયાર બનાવીને નહી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામા ચૂકનો આ પ્રથમ મામલો નથી. 2014માં એક ઓટો રિક્ષા ડ્રાઈવરે કેજરીવાલને થપ્પડ મારી હતી. ગત વર્ષે સચિવાલયમાં એક અજાણ્યા શખ્સને કેજરીવાલ પર મરચાની ભૂકી ફેંકી હતી.