રાજ્યના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો, જાણો ક્યાં પડ્યો કમોસમી વરસાદ
abpasmita.in | 04 May 2019 04:32 PM (IST)
સાવરકુંડલાના બાઢડાથી લઇ જાબાળ સુધીના ગામમાં પવન સાથે વરસાદ પડ્યો હતો
અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજી, અમરેલીના સાવરકુંડલાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો હતો. અંબાજીમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. અંબાજી નજીક કોટેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના બાઢડાથી લઇ જાબાળ સુધીના ગામમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.