રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ નક્સલીઓએ બે હુમલા કર્યા છે. કાંકેરના કોયલીબેડામાં નક્સલીઓ છ આઇઇડી વિસ્ફોટ કર્યા હતા. ત્યારબાદ થયેલી અથડામણમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો. બીજી તરફ બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન બીજાપુરના બદ્રેમાં અથડામણ થઇ હતી.


નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં આવતીકાલે બસ્તર ડિવીઝનના સાત જિલ્લા અને રાજનંદગાંવ જિલ્લામાં મતદાન થશે. જેને પરિણામે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લગભગ એક લાખ સુરક્ષાકર્મીઓએ તૈનાત કરાયા છે. નક્સલીઓએ લોકોને મતદાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે આ અગાઉ આઠ નવેમ્બરના રોજ દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆઇએસએફનો એક જવાન શહીદ થયો હતો અને ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા.