નવી દિલ્હીઃ ફરીથી ટિકીટ ના મળવાના કારણે નારાજ થયેલા બીજેપીના સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરીને પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.


દલિત નેતા ઉદિત રાજ અનામત લોકસભા બેઠક ઉત્તરી પશ્ચિમ દિલ્હીથી પહેલીવાર 2014માં સાંસદ બન્યા હતા. આ વખતે બીજેપીએ ઉદિત રાજને ટિકીટ નથી આપી. તેમની જગ્યાએ પ્રખ્યાત ગાયક હંસરાજ હંસને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે, આ વાતથી ઉદિત રાજ નારાજ હતા.



તેમને દિલ્હીની બેઠકો પર ટિકીટ વહેંચણી માટે ચર્ચાની વચ્ચે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરવાની કોશિશ કરી પણ મને કોઇ જવાબ ના મળ્યો. તેમને આશંકા હતી કે પાર્ટી ટિકીટ નહીં આપે. સાથે તેમને ટ્વીટ કરીને કહ્યું કે, બીજેપી જો તેમને ટિકીટ નહીં આપે તો તે પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે.


એટલું જ નહીં ઉદિત રાજે પોતાના ટ્વીટર પરથી ચોકીદાર શબ્દ પણ હટાવી દીધો છે. જોકે થોડાક સમય બાદ ફરીથી ચૌકીદાર ઉદિત રાજ લખી લીધુ હતુ. હવે કોંગ્રેસમાં સામેલ થયા બાદ ફરી એકવાર ચોકીદાર શબ્દો હટાવી લીધો છે.