નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આ વખતે લોકસભા ચૂંટણી રસપ્રદ બનવાની છે. અહીં ક્રિકેટર, બોક્સર, અભિનેતા અને નેતા બધા ચૂંટણી લડી રહ્યા છે. બધા પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને બદા ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટ ગૌતમ ગંભીર સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે અને તેની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયા છે. સાથે જ ગૌતમ ગંભીર હવે ટ્વિટર પર ચોકીદાર ગૌતમ ગંભીર બની ગયા છે.


એક મહિના પહેલા ભાજપમાં જોડાયેલ ગંભીરે બુધવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાના નામ આગળ ચોકીદાર લગાવ્યું હતું. પીએમ મોદીના મેં ભી ચોકીદાર કેમ્પેન અંતર્ગત ભાજપના દરેક નેતા પોતાના નામ આગળ ચોકીદાર લગાવી રહ્યા છે.



ગૌતમ ગંભીરની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા છે. ગંભીરે વર્ષ 2017-18 માટે સુપરત કરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન્સમાં એમની આવક 12 કરોડ 40 લાખ રૂપિયા દર્શાવી છે. તેની પત્ની નતાશા આ જ ગાળામાં ભરેલ આઈટી રિટર્નમાં 6.15 લાખ રૂપિયાની આવક દર્શાવી છે. ગંભીરે કુલ 147 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ દર્શાવી છે.



દિલ્હી ઉત્તર-પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર અને ગાયક હંસરાજની વાર્ષિક આવક 9.28 કરોડ રૂપિયા છે. આ આંકડો પણ એમણે સુપરત કરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પરથી જાણવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેશ લિલોટીયાએ એમની વાર્ષિક આવક 26.34 લાખ રૂપિયા દર્શાવી છે.



દિલ્હી દક્ષિણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને બોક્સર વિજેન્દર સિંહે 2017-18 માટે એમની વાર્ષિક આવક 45 લાખ રૂપિયા દર્શાવી છે.