નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસનો મુકાબલો ભાજપ અને અકાલી ગઠબંધન સામે છે. લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે પંજાબ કોગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવી રહ્યો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોગ્રેસ  નેતા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની લડાઇ સામે આવી છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, કદાચ નવજોત સિંહ સિદ્ધુ મને હટાવીને મુખ્યમંત્રી બનવા માંગે છે.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, હું  તેને બાળપણથી ઓળખું છું. કદાચ તે મને  હટાવીને મુખ્યમંત્રી બનવા માંગે છે. આ તેમનો મામલો છે. પરંતુ ચૂંટણીના એક દિવસ અગાઉ જે નિવેદન આપ્યું છે તેની અસર પાર્ટી પર પડશે નહી કે મારા પર. કેન્દ્રિય નેતૃત્વએ તેને ધ્યાનમાં લેવું જોઇએ. પાર્ટી અનુશાસનહીનતા સહન કરશે નહીં.

વાસ્તવમાં પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે કહ્યું  હતું કે, જો કેપ્ટન અમરિંદર સિંહના રાજમાં ધર્મ ગ્રંથોના અપમાન પર ન્યાય નથી મળ્યો અને દોષિતોને સજા આપવામાં નહી આવે તો હું કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દઇશ.આ અગાઉ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કહ્યું હતું કે, કેપ્ટન સાહેબના કારણે મારી  ટિકિટ કાપી નાખવામાં આવી. તેમણે કહ્યું કે, કેપ્ટન સાહેબ અને આશા કુમારીને લાગે છે કે મેડમ સિદ્ધુ  સાંસદની ટિકિટને લાયક નથી. દશેરા પર જે  ટ્રેન અકસ્માત થયો તેના આધાર પર મારી ટિકિટ કાપી દેવામાં આવી.