ગુવાહાટીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં ધુબ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના લોકોને મૂર્ખ બનાવવા માટે નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ અને નાગરિકતા બિલ જેવા બે લોલીપોપ આપ્યા છે. મમતાએ કહ્યું કે, 40 લાખ લોકોના નામ એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આવા લોકો સાથે તૃણમુલ કોગ્રેસ કોઇ પણ પ્રકારના ભેદભાવ સાથે ઉભી છે. આસામના ધુબ્રીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, આસામના લોકોને મૂર્ખ બનાવવા માટે વડાપ્રધાન મોદી એનઆરસી અને નાગરિકતા બિલ એમ બે લોલીપોપ લાવ્યા છે. તૃણમુલ કોગ્રેસ એ તમામ 40 લાખ લોકો સાથે છે જેમના નામ એનઆરસીમાં આવ્યા નથી. મમતાએ કહ્યું કે, કોઇ પણ અન્ય પક્ષોએ આવા લોકોને સમર્થન આપ્યું નથી જેમના નામ એનઆરસીમાં નથી. તેમણે કહ્યું કે, અમે આવા લોકો સાથે હંમેશાથી રહ્યા છીએ. મમતાએ દાવો કર્યો કે ના ફક્ત મુસ્લિમ પરંતુ 22 લાખ હિંદુઓના નામ પણ એનઆરસીમાં સામેલ નથી. તૃણમુલ કોગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, બીજેપી નાગરિકતા બિલ લોકોને વિદેશી બનાવવા માટે લાવી રહી છે. મમતાએ કહ્યું કે, મોદી જૂઠા છે અને હંમેશા લોકોને મૂર્ખ બનાવે છે. પાંચ વર્ષ અગાઉ મોદી કહેતા હતા કે તે ચાવાળા છે અને હવે તે ભૂલી ગયા છે કે ચા કેવી રીતે બનાવાય છે.