નવી દિલ્હીઃ એમેઝોનડોટકોમ ઇંકના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્ઝી બેજોસની છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ છૂટાછેડા અંતર્ગત મેકેન્ઝી પાસે એમેઝોનના 4 ટકા શેર રહેશે અને બાકીના 12 ટકા શેર જેફ બેજોસ પાસે રહેશે. જોકે તમામ વોટિંગ અધિકાર અબજોપતિ કારોબારી જેફ બેજોસ પાસે જ રહેશે. મેકેન્ઝી બેજોસે વોશિંગ્ટન પોસ્ટ અખબાર અને રોકેટ કંપની બ્લૂ ઓરિજનમાં પોતાનો તમામ હિસ્સો છોડવો પડશે. મેકેન્ઝીએ ગુરુવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

જેફ બેજોસ એમેઝોનના સૌથી મોટાં શેરધારક છે. બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુન વેનગાર્ડ છે. મેકેન્ઝી ત્રીજી સૌથી મોટી શેર હોલ્ડર બની ગઇ છે.



છૂટાછેડા સાથે જ મેકેન્ઝી દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની ગઇ છે. તેમના ભાગમાં ઇ-કોમર્સ કંપની એમેઝોનની 4 ટકા ભાગેદારી આવી ગઇ છે. અત્યારે તેની વેલ્યૂ 36.5 અરબ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. મેકેન્ઝીને ભાગ આપ્યા પછી પણ જેફ બેજોસ 114 અરબ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ છે. તમને જણાવી એ કે તેઓ ઇ-કોમર્સ કંપની એમેઝોનનાં સંસ્થાપક અને સીઇઓ છે.

જેફ બેજોસ અને મેકેન્ઝીના ડિવોર્સની જાહેરાતના એક દિવસ બાદ અમેરિકન મેગેઝીન ધ ઇન્ક્વાયરે ખુલાસો કર્યો હતો કે, બેજોસના ડિવોર્સ લેવાનું કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સેન્ચેઝ છે. બેજોસ અને સેન્ચેઝ રિલેશનશિપમાં છે. મેગેઝીને બંનેની પર્સનલ તસવીરો અને મેસેજ સાર્વજનિક કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, બેજોસ સેન્ચેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલે છે. બેજોસે તેની તપાસ કરાવી કે તેના મેસેજ લીક કેવી રીતે થયા. થોડાં દિવસો અગાઉ તપાસ ટીમે જણાવ્યું કે, બેજોસના ફોન હેક થયો હતો, તેમાં સાઉદી અરેબિયાનો હાથ હતો.