લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ રવિવારે સાંજે સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતાં. દેશની સર્વે એજન્સીઓના આંકડા સાચા સાબિત થશે તો આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. જોકે, ભાજપની બેઠકો 2014ની સરખામણીમાં ઓછી થઈ શકે છે.

ભાજપને સૌથી મોટું નુકસાન ઉત્તર પ્રદેશમાં થતું હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યાં 2014માં તેણે સાથી પક્ષો સાથે મળીને 75 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે સપા-બસપાના ગઠબંધનના પગલે તેને 49 બેઠકો મળશે તેવું અનુમાન છે. એટલે કે 26 બેઠકોનું સીધું નુકસાન તેની ભરપાઈ ભાજપ બંગાળ અને ઓડિશામાંથી કરતો હોય તેમ જોવા મળી રહ્યું છે.


આ ચૂંટણીમાં હિંસાના કારણે સમાચારોમાં રહેલા બંગાળમાં ભાજપને 12 જ્યારે ઓડિશામાં 9 બેઠકો મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા 26 બેઠકો જીતી શકે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે ચૂંટણીનું સુકાન પ્રિયંકા ગાંધીને સોંપ્યું હોવા છતાં તેને કોઈ વિશેષ લાભ મળ્યો હોવાનું એક્ઝિટ પોલ પરથી જણાતું નથી. મોટાભાગના એક્ઝિટ પોલ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવાનું જ દર્શાવી રહ્યા છે.

આ ઉપરાંત એક્ઝિટ પોલ મુજબ તાજેતરમાં જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતવામાં ભલે કોંગ્રેસ સફળ થઈ હોય પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ વિજયનો લાભ ઉઠાવી શકી નથી. એક્ઝિટ પોલ મુજબ આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસે એકંદરે 2014ની લોકસભા ચૂંટણીનું જ પુનરાવર્તન કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.