નવી દિલ્હીઃ 2014માં ‘ચા વાળા’ બાદ 2019માં ભારતીય જનતા પાર્ટીએ ચોકીદાર શબ્દનો લાભ લેવાની પુરી તૈયારીઓ કરી દીધી છે. વડાપ્રધાન મોદી દ્ધારા રેલીઓમાં પોતાને ચોકીદાર ગણાવ્યા બાદ ભાજપે ‘મૈ ભી ચોકીદાર’ વીડિયો લોન્ચ કર્યો હતો. હવે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડી દીધો છે. ટ્વિટર પર હવે તેમનું નામ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ થઇ ગયું છે. વડાપ્રધાન મોદી બાદ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર લખી દીધું છે.

વડાપ્રધાન મોદી દ્ધારા નામ આગળ ‘ચોકીદાર’ લખ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયે પણ ટ્વિટર પર પોતાના નામ આગળ ‘ચોકીદાર’ લખી દીધું હતું. તે સિવાય જેપી નડ્ડા, રમનસિંહ, પૂનમ મહાજન સહિત અનેક મોટા નેતાઓએ પણ પોતાના નામ આગળ ‘ચોકીદાર’ લગાવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ ટ્વિટર પર પોતાના નામ આગળ ‘ચોકીદાર’ લખ્યું હતું.