નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવે પીએમ નરેન્દ્ર મોદીને લઈ મોટું નિવેદન આપ્યું છે. મુલાયમે લોકસભામાં કહ્યું કે, નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બને. મુલાયમનો દીકરો અખિલેશ યાદવ 2019માં મોદીને રોકવા મહાગઠબંધન કરી ચુક્યો છે તેવા જ સમયે તેમનું આ નિવેદન આવ્યું છે.
લોકસભામાં મુલાયમે કહ્યું કે, હું પીએમને અભિનંદન આપવા માંગુ છું. પીએમે બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી છે. હું કહેવા માંગુ છું કે તમામ સભ્યો ફરીથી જીતીને આવે અને તમે(નરેન્દ્ર મોદી) ફરીથી વડાપ્રધાન બને. સમાજવાદી પાર્ટીમાંથી મળેલી જાણકારી મુજબ, મુલાયમ સિંહ યાદવ આ વખતે મેનપુરીથી ચૂંટણી લડશે. આ અંગેની જાહેરાત ગત વર્ષે અખિલેશ યાદવે જ કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી 5 સીટો જ જીતી શકી હતી. જેમાં માત્ર મુલાયમ પરિવારના જ સભ્યો જીત્યા હતા. આ અંગે દુઃખી થઈ મુલાયમ સિંહે લોકસભામાં કહ્યું હતું કે, જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે માત્ર પરિવારના જ લોકો નજરે પડે છે.
મુલાયમ સિંહ યાદવ સૌથી વધારે રામ મનોહર લોહિયાથી પ્રેરિત રહ્યા છે. મુલાયમની રાજકીય કરિયર ઘણી લાંપબી રહી છે. 1967માં પ્રથમ વખત મુલાયમ સિંહ યાદવ ધારાસભ્ય બન્યા હતા અને 7 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. વસતીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે 1992માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત 1996થી 1998 સુધી કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી પણ રહ્યા છે.