સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. જે બાદ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આજે વિદેશમાં ભારતનો જય જય કાર થઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશભરમાં વરસાદે ઘણુ નુકશાન કર્યું છે, સરકાર શક્ય તેટલી મદદ કરશે.


મોદીએ સભાને સંબોધતા એમ પણ કહ્યું કે, કોંગ્રેસ અને તેના મિલાવટી લોકોને દેશ પ્રગતિ કરે તે પસંદ નથી. અમારી સરકારે આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા. કોંગ્રેસના શબ્દોથી પાકિસ્તાનને મજા પડે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પણ ચારિત્ર્ય બદલાઈ ગયું છે. તેઓ હવે દેશ વિરોધી લોકોની ભાષા બોલવા લાગ્યા છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસ પાર્ટી તેના સબૂતો માંગે છે.


કોંગ્રેસે ગરીબોના હક છીનવ્યા, મધ્યમ વર્ગની હંમેશા અવગણના કરી. અમે પાંચ વર્ષ મહેનત કરવામાં કોઇ કસર છોડી નથી. કોંગ્રેસે અભિયાન શરુ કર્યું છે કે ચોકીદાર હટાવો. કોંગ્રેસ પાર્ટીની ક્રેડિટિબિલિટી ઓછી થઇ ગઈ છે. પહેલા તેઓ મોદીને ગાળો બોલતા હતા. હવે તેઓ આખા ગુજરાત રાજ્યને ગાળો બોલવા લાગ્યા છે.


એક બાજુ કોંગ્રેસનો વિચાર છે કે દેશના મધ્યમ લોકો પાસેથી વધુ ટેક્ષ વસૂલવો તો એક તરફ અમારી સરકાર છે જેણે મધ્યમ વર્ગના લોકો માટે ટેક્ષમાં આવકમર્યાદા વધારી દીધી છે. ખેડૂતોને રાહત આપવા 6000 આપવાનું નક્કી કર્યુ, સાથે 60 વર્ષ બાદ ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવાનો પ્લાન છે. ભવિષ્યમાં નાના વેપારીઓ અને ખેડૂતોએ 60 વર્ષ બાદ કોઇના આશ્રિત રહેવું નહીં પડે, તેમને પણ પેન્શનનો લાભ મળશે. તેમના ખાતામાં સીધા રૂપિયા જમા થશે.