સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ ઘટનાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે જેમાં મૃતક ક્રિષ્નાએ છેલ્લીવાર તેના પિતા સાથે વાત કરી બારીમાંથી કૂદવાની વાત કરી હતી.


આગની ઘટનામાં મોતને ભેટેલી ક્રિષ્નાએ બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પોતાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે,  નીચે ઉતરવાનો કોઇ રસ્તો જ નથી, પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કૂદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા.

આ ફોન બાદ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાના પિતા સુરેશભાઈ અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઇ ચૂક્યું હતું. તેમણે જોયું કે ચોથા માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ફરીવાર પોતાની દીકરીને ફોન લગાવ્યો હતો ત્યારે ક્રિષ્નાએ નહી પરંતુ કોઇ અન્યએ ફોન ઉપાડ્યો હતો.એ ભાઈએ કહ્યું કે તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહીં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી બોડી આવી છે તેની પાસેથી મને આ ફોન મળ્યો છે. આ સાંભળીને સુરેશ ભાઇ ફસડાઇ પડ્યા હતા.