નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, આ વિચારધારાની લડાઇ છે. વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં કોઇનું ખરાબ બોલે છે. મોદીજીના ગુરુ કોણ છે. અડવાણીજી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતા. અડવાણીજીને સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવ્યા અને હિંદુ ધર્મની વાત કરે છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યું છે અને પોતાના ગુરુનું અપમાન કરવું હિંદુ સંસ્કૃતિ નથી. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે ગુરુનું અપમાન કરવું જોઇએ. નોંધનીય છે કે ગાંધીનગર બેઠક પરથી ટિકિટ કપાયા બાદ ગુરુવારે અડવાણીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, બીજેપીએ પોતાના રાજકીય વિરોધીઓને ક્યારેય રાષ્ટ્ર વિરોધી માન્યા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અમને હિંદુ ધર્મ ના શીખવે. તેમણે પોતાના ગુરુનું અપમાન કર્યું છે. 2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઇ છે અને કોગ્રેસની વિચારધારા ભાઇચારો, પ્રેમ અને સૌંહાર્દની છે જે વડાપ્રધાન મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત હાંસલ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી સત્તામાં આવી તો ગરીબ પરિવારોને ન્યૂનતમ આવક તરીકે દર વર્ષે 72000 રૂપિયા આપશે જેમાં લગભગ 25 કરોડ લોકોને ફાયદો થશે.