નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રામાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે અહીં ગંગાજળ પ્રોજેક્ટ સહિત લગભગ 3907 કરોડની વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતુ. વિકાસ કાર્યોની ભેટની સાથે મોદીએ સવર્ણોને આપવામાં આવેલા આર્થિક અનામત પર કહ્યું કે, અમારી સરકારે દલિતો-આદિવાસીઓ અથવા પછાત લોકોના અધિકારોને છીનવ્યા વિના સવર્ણોને અનામત આપ્યું છે. જ્યારે અગાઉની સરકારો ચોરી કરીને તુષ્ટિકરણની ઝોળી ભરવા માંગે છે.
અનામત પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સવર્ણોના ગરીબ પરિવારોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ પણ ચૂંટણી સમયે નારેબાજી ખૂબ થઇ. હું પણ કહેતો હતો કે 50 ટકા ઉપર અનામત કહીને સરકાર બેઇમાની કરે છે. 50 ટકાની ઉપર જવું હોય તો બંધારણમાં સંશોધન કર્યા વિના જઇ શકતા નથી. અગાઉ જે કરતા હતા તેઓ દલિત અને આદિવાસીઓના હક ચોરીને ઝોળી ભરવા માંગતા હતા જેથી તેમની વોટ બેન્કની ઝોળી ભરી શકાય.
મોદીએ કહ્યું કે, અમારી સરકાર અનામત આપવા માટે બંધારણમાં સંશોધન લાવી અને આ માટે તેમણે તમામ સાંસદોનો આભાર માન્યો હતો. ગરીબી કોઇના વિકાસમાં અડચણ ના બને એટલા માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી. ફક્ત અનામત જ નહી સાથે ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનામતને ચૂંટણી સ્ટંટ ગણાવતા વિપક્ષોને જવાબ આપતા મોદીએ કહ્યું કે, દેશમાં દર 6 મહિનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી રહે છે. એવામાં જો અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો હોત તો ચૂંટણીને કારણે લેવામાં આવ્યો એવું કહ્યું હોત. હું એટલા માટે કહું છું કે એકસાથે ચૂંટણી કરાવવામાં આવે.