સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભા સંબોધી હતી. મોદીએ લોકસભામાં સવર્ણોને 10 ટકા અનામત સંબંધિત બિલ પાસ થવાની ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. સરકારે સવર્ણોને અનામત આપવાના પગલાને સૌનો સાથ સૌનો વિકાસના નારાની દિશામાં મોટી પહેલ ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ સોલાપુરમાં મેટ્રો સહિત અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યું હતું. મોદીએ જનરલ ક્વોટા બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગઇકાલે મોડી રાત્રે લોકસભામાં એક ઐતિહાસિક બિલ પાસ થયું છે. સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને કારણે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વધુ મજબુત કરવાનું કામ કર્યું છે. મોદીએ કહ્યું કે, તમારી તાળીઓનો અવાજ સાંભળીને લાગે છે કે તમે પણ મોડી રાત સુધી ટીવી જોઇ રહ્યા હતા. મોદીએ કહ્યું કે આશા છે કે રાજ્યસભામાં પણ આ બિલને સર્વસંમતિ સાથે પાસ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં એવું જૂઠ ફેલાવવામાં આવે છે કે દલિતો, આદિવાસીઓ પાસેથી અનામત લઇ લેવામાં આવશે. પરંતુ અમે તેમને જણાવ્યું કે, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી પાસેથી કાંઇ લેવામાં આવશે નહીં.
મોદીએ કહ્યું કે, અમે એમને એવો જવાબ આપ્યો છે કે હવે જૂઠ ફેલાવનારાઓની તાકાત બચી નથી. મોદીએ કહ્યું કે, ગઇકાલે વધુ એક મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પાસ થયું છે. આ બિલ (નાગરિકતા સંશોધન બિલ) ભારતમાં આસ્થા રાખનારા તમામ વ્યક્તિ મહત્વપૂર્ણ છે. જે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અન્ય પાડોશી દેશમાં રહેનારા ભારત માતાની જય અને વંદે માતરમ બોલનારા, આ દેશની માટીને પ્રેમ કરનારાઓને ભારતની નાગરિકતાનો રસ્તો સાફ થઇ ગયો છે.
મોદીએ કહ્યું કે, આઝાદી બાદથી દાયકાઓ સુધી તમામ સરકાર પોતાના હિસાબથી કામ કરતી હતી પરંતુ જ્યારે ભાજપના નેતૃત્વમાં કામ થાય છે ત્યારે તે જમીન અને જનતા સુધી અસર પહોંચે છે. નોર્થ ઇસ્ટના ભાઇઓ બહેનોને વિશ્વાસ અપાવું છું કે ત્યાંના લોકો અને યુવાઓના અધિકારો પર આંચ નહી આવવા દઉં. તેમના અવસરોમાં અડચણ ઉભી નહી થાય.