નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને અંબિકાપુરમાં રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, (રેલીમાં) બેઠેલો એક પણ વ્યક્તિ નોટબંધી માટે નથી રડી રહ્યો. પણ એકમાત્ર એક પરિવાર રડી રહ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના લોકોને ઊંઘ નથી આવી રહી કે અમારા પરિવારની વિરાસત, અમારી રાજગાદીને આ ચા વાળો કોઈ રીતે ચોરી ગયો. મોદીએ કહ્યું, એક ચાવાળાના કારણે ગરીબોના બેન્ક ખાતા ખુલ્યા અને ગેસ સિલિન્ડર મળ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, સરકાર પસંદ કરવાનો એક માપદંડ હોય છે. જે મારી-તમારી, શહેર-ગામ, મારી-તારી નાતનો ભેદભાવ નથી કરતી. કોઈ પણ ત્રાજવામાં માપી લો આખા દેશમાં ભાજપ સરકારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કર્યો. માત્ર એક જ મંત્ર લઈને પાર્ટી આગળ વધી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસ.
તેઓએ કહ્યું, વિકાસના મુદ્દા પર અટલજીએ છત્તીસગઢ રાજ્યનું શાંતીપૂર્વક ગઠન કર્યું. એવામાં તેલંગણાનું પણ ગઠન શાંતિપૂર્વક થઈ શકતું હતું. પરંતુ આંધ્રપ્રદેશના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર તેલંગણાનું ગઠન કરવામાં આવ્યું. કારણ કે જ્યાં સુધી ભાઈ-ભાઈને ન લડાવે, લોકો વચ્ચે ભેદભાવ ન પેદા કરે ત્યાં સુધી કૉંગ્રેસને શાંતિ નથી થતી.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી મતદાન આ મહીનાની 20 તારીખે થવાનું છે. જ્યારે પ્રથમ તબ્બકાનું મતદાન 12 તારીખે યોજાયું હતું. જેમાં રેકોર્ડ બ્રેક 70 ટકા વોટિંગ નોંધાયું હતું.