કોલકતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અહીં પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ‘આજે રેલીના દ્રશ્ય જોઈને તેઓ સમજી ગયા છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવ્યા છે.’ તેઓએ કહ્યું અમારા પ્રતિ બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્ર બચાવવાનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર લાગ્યા છે. વડાપ્રધાનની રેલીમાં એટલી બધી ભીડ હતી કે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઇ હતા. જેના બાદ પીએમ મોદીએ માત્ર 14 મિનિટમાં પોતાનું ભાષણ સમાપ્ત કરી દીધું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોની દેવા માફીના નામ પર રાજકીય દળોએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો. દેવામાફીના નામ પર કેટલાક રાજ્યોમાં મત માંગવામાં આવ્યા, પરંતુ ખેડુતોનું દેવુ માફ કરવામાં આવ્યું નથી. મધ્યપ્રદેશમાં ખેડૂતોને 13 રૂપિયા દેવુ માફ કરવામાં આવ્યું અને રાજસ્થાનમાં તો હાથ ઉપર કરી લીધાં.


આઝાદીના બાદ પણ ગામડાઓની સ્થિતિ પર ધ્યાન આપવામાં નથી આવ્યું. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ વધુ ખરાબ છે. પરંતુ હવે નવભારત આ સ્થિતિમા નથી રહી શકતું. મોદી સરકાર આ સ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે મજુરો અને ખેડૂતોની સ્થિતિ બદલવાનો કોશિશ કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં 12 કરોડ ખેડૂત પરિવારો, 30-40 કરોડ શ્રમિકો અને 3 કરોડ મધ્ય વર્ગને સીધો લાભ મળશે.

ઉલ્લખનીય છે કે ભાજપની રથ યાત્રાને લઇને મમતા સરકાર સાથે થયેલી ટકરાવ બાદ પીએમ મોદીની પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ યાત્રા છે. પીએમ મોદી  દુર્ગાપુરમાં રેલ પરિયોજનાનું ઉદ્ધાટન કરી દેશને સમર્પિત કરશે.  છેલ્લા બે સપ્તાહમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે અનેક રેલીઓને સંબોધન કર્યું છે. આ દરમિયાન રાજનીતિક હિંસા પણ જોવા મળી હતી.

પીએમ મોદીના કાર્યક્રમ પહેલા બીજેપી અને ટીમએસની કાર્યકર્તા વચ્ચે હોબાળો થયો હતો. ગઇકાલે પીએમ મોદીના કેટલાક પોસ્ટર પર ટીએમસીના પોસ્ટર લગાવી દીધાં હતા. જેને લઇને પશ્ચિમ બંગાળના સાંસદ અને ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરી કહ્યું કે ‘ટીએમસીએ પોતાની ખરાબ હરકતોની હદ પાર કરી દીધી છે અને આટલુંજ નહીં ટીએમસીના ગુંડાએ ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો પણ કર્યો હતો.’