નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યમાં ભાજપને ભવ્ય જીત મળી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં બહુમતી સાથે ફરી એકવાર સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોગ્રેસને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ 403માંથી માત્ર 2 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ પરિણામ પર પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.






પ્રિયંકાએ ટ્વીટ કરીને લખ્યું કે લોકશાહીમાં જનતાનો અભિપ્રાય સર્વોપરી હોય છે. અમારા કાર્યકરો અને નેતાઓએ સખત મહેનત કરી, સંગઠન બનાવ્યું, પ્રજાના પ્રશ્નો પર લડ્યા. પરંતુ અમે અમારી મહેનતને વોટમાં ફેરવી શક્યા નથી. કોંગ્રેસ પાર્ટી સકારાત્મક એજન્ડાને અનુસરીને સંપૂર્ણ જવાબદારી સાથે યુપી અને જનતાના ભલા માટે સંઘર્ષ કરી રહેલા વિપક્ષની ફરજ નિભાવતી રહેશે.


નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ યુપી ચૂંટણીમાં મહિલા શક્તિ પર ભાર મુક્યો હતો. 50 ટકા બેઠકો પણ મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે પાર્ટીનો આ દાવ ઉધો પડી ગયો છે.  યુપી ઉપરાંત પંજાબમાં પણ કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ તેમનો સફાયો કરી નાખ્યો છે. પંજાબમાં AAP 92 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર 18 સીટો પર આગળ છે. ચરણજીત સિંહ ચન્ની પણ તેમની બંને બેઠકો પર હારી ગયા છે.


ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી પરિણામો પર ટ્વીટ કર્યું અને લખ્યું કે હું પંજાબની જનતાનો જનાદેશ સ્વીકારું છું. હું AAP અને ભગવંત માનને જીત માટે અભિનંદન આપું છું