રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં અપીલ કરતા લખ્યું કે, કાર્યકર્તાઓ, સાવધાન રહો. પરંતુ તમે ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો, નકલી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ના થાવ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાના પર અને કોગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત બેકાર નહી જાય. જય હિંદ. નોંધનીય છે કે રાહુલ ગાંધી અગાઉ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક ઓડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે કોગ્રેસના કાર્યકર્તાઓને એક્ઝિટ પોલ પર ધ્યાન ના આપવા અને સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા કહ્યું છે.
નોંધનીય છે કે જ્યારથી એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વિપક્ષમાં હલચલ મચી ગઇ છે. એક્ઝિટ પોલમાં ભાજપ પ્રચંડ બહુમતી વિજેતા થશે તેવું દર્શાવાયું છે. ત્યારબાદથી વિપક્ષની તમામ પાર્ટીઓ સતત ઇવીએમમાં ગરબડનો આરોપ લગાવી રહી છે અને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી રહી છે.