નવી દિલ્હીઃ દિલ્હીમાં મંગળવારે બપોરે શાસ્ત્રી ભવનમાં અચાનક આગ લાગતા ખળભળાટ મચી ગયો હતો. આટલા મહત્વપૂર્ણ સ્થળ પર આગ લાગવાની ઘટનાએ રાજકીય રંગ પકડી લીધો છે. રાહુલ ગાંધીએ શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને શેર કરતા આરોપ લગાવ્યો હતો કે તે આગ મોદીના કહેવા પર લગાવવામાં આવી છે. જોકે, હજુ સુધી આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. આ મામલાને ટ્વિટ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે, સળગતી ફાઇલો પણ તમને નહી બચાવી શકે મોદીજી. તમારા ન્યાયનો દિવસ આવી રહ્યો છે. શાસ્ત્રી ભવનમાં અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો આવેલા છે. અહીં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કાયદા મંત્રાલય, કંપની મામલાના મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સહિત અનેક મંત્રાલય આવેલા છે અને તેમની ફાઇલો પણ અહીં છે. નોંધનીય છે કે બપોરે ત્રણ વાગ્યે આગ લાગી હતી. બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આગને કારણે શું નુકસાન થયું છે તેની પણ કોઇ જાણકારી મળી શકી નથી. રાહુલ ગાંધીના દાવાને ફાયર વિભાગે ફગાવી દીધો હતો. ફાયર ઓફિસર આર મીનાએ કહ્યું કે, આગ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર રાખેલા ભંગારમાં લાગી હતી. ભંગારમાં કૂલર અને ઇલેક્ટ્રિક વાયર પડ્યા હતા. હજુ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.