અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઉત્તર ગુજરાતના બક્ષીપંચ સમાજના આગેવાન જુગલજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ બંને ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. આ માટે એસ જયશંકર આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ તેઓ ફોર્મ ભરશે.


કોણ છે જુગલજી ઠાકોર
જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મથુરજી ઠાકોરના પુત્ર છે. હાલ જુગલજી ઠાકોર ભાજપના બક્ષીપંચના આગેવાન પણ છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. જ્ઞાતિનું સમીકરણ જાળવી રાખવા ભાજપે ઉમેદવાર તરીકે તેમને પસંદ કર્યા છે.

કોંગ્રેસે પણ આ બેઠક માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડી દીધો છે. આ માટે તેમણે 5 ઉમેદવારોની યાદી તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલી છે. કોંગ્રેસ આવતીકાલે જ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્ય સભાની બેઠકો ખાલી પડતાં આ બંને બેઠકોની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી.