રાજકોટ: પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટીકિટ મળતાં વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે, વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં.



વિઠ્ઠલ રાદડિયાની હોસ્ટેલમાં ભણેલા એક વિદ્યાર્થી (નામ લખ્યું નથી)એ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. તેમાં જણાવ્યું છે કે, જયેશભાઈને દબાણ કરી પોરબંદરની સભામાં ભાજપને મત આપવાની વિનંતી કરાવશે અને જયેશભાઈને પણ દબાણને લીધે બોલવું જ પડશે કે ભાજપને મત આપજો. આપણે જયેશભાઇના અને રાદડિયા પરિવારનો અહેસાન ચૂકવવાનો સમય આવી ગયો છે.



જો આ વખતે રમેશ ધડુકને જીતાડીશું તો પોરબંદરવાળી સીટ પર રાદડિયા પરિવારને ટીકિટ બાદ ક્યારેય નહીં મળે. વિઠ્ઠલભાઈ જે રીતે આપણી વચ્ચે રહી કામ કર્યાં છે એ વિઠ્ઠલભાઇની સેવાનો મોકો હર હંમેશ ખોવાનો વારો આવશે. જયેશભાઇ પાર્ટીના દબાણને લીધે ના બોલી શકે પણ આ આપણી જવાબદારી છે. આપણે વિઠ્ઠલભાઇના પરિવાર વતી અવાજ બનીએ.



જો આ વખતે રમેશ ધડુકને હરાવીશું તો જ આવતી વખતે રાદડિયા પરિવારને ટીકિટ આપવી જ પડશે અને આપણાં છોટા સરદાર ગણાતાં વિઠ્ઠલભાઇના પરિવારને આપણાં વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે. તો સૌ ભાયુંને વિનંતી સિંહ ઘાયલ થયો છે તો સિંહના પરિવારને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. એમના માટે આજથી મહેનત કરીએ અને રાદડિયા પરિવારનું અસ્તિત્વ ટકાવવા વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીંના નારા સાથે રમેશ ધડુકને હરાવવા સૌ સોગંધ ખાઇએ.