ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર ચૂંટણી પંચે ગઇકાલે 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ આજે સવારે 6 કલાકથી શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવેલા પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞા આજે ભોપાલના દુર્ગા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત ત્યાં ભજન-કીર્તન પણ કર્યા હતા.


મુંબઈ આતંકી હુમલામાં શહીદ હેમંત કરેકર પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદને લઇ વિવાદિત નિવેદન આપ્યું હતું. સાધ્વીએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદને તોડવાનો કોઇ અફસોસ નથી પરંતુ ગર્વ થાય છે. જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરીને પ્રતિબંધ લગાવ્યો હતો.


ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવ્યા બાદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, કોઇ વાંધો નહીં. હું આ ફેંસલાનું સન્માન કરું છું.