મુંબઈ: 17મી લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પત્યા બાદ રવિવારે વિવિધ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે. જેની સીધી અસર આજે સવારે શેરબજાર પર જોવા મળી હતી.  શેરબજારે એક્ઝિટ પોલે વધાવી લીધો છે.

આજે ખુલતા બજારમાં સેન્સેક્સમાં 950 અને નિફ્ટીમાં 280 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો 61 પૈસા વધીને 69.61ની સપાટીએ પહોંચી ગયો છે.

નિફ્ટીમાં માર્ચ 2016 બાદ આ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં 3 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. લીડ શેરોની સાથે આજે મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 2.33 ટકા વધીને 14,641ની સપાટીએ જોવા મળ્યો હતો.