'જો NRC લાગુ થશે તો પીએમ મોદીની સામે જ આત્મહત્યા કરી લઇશ', બીજેપી નેતાએ બીજેપીને જ આપી ધમકી
abpasmita.in | 12 Apr 2019 10:33 AM (IST)
વડાપ્રધાન મોદીએ આસામના સિલ્ચરમાં અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કહ્યું હતું કે, બીજેપી નાગરિકતા (સંશોધન) વિધેયક અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (એનઆરસી) બિલને પાસ કરાવવા સંકલ્પબદ્ધ છે
નવી દિલ્હીઃ લોકસભાના સંકલ્પ પત્રમાં બીજેપીએ મોટા મોટા વાયદાઓ કર્યો છે, જેમાનો એક વાયદો નાગરિકતા (સંશોધન) વિધેયક અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (એનઆરસી) લાગુ કરવાનો પણ હતો. હવે આ મુદ્દાને લઇને બીજેપી નેતાઓમાં ફૂટ જોવા મળી છે. આ મુદ્દે પૂર્વોત્તરના બીજેપી નેતાએ પોતાની જ પાર્ટીને આત્મહત્યા કરવાની ખુલ્લી ધમકી આપી છે. પૂર્વોત્તરમાં શિલોન્ગ લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર સાંબોર શૂલાઇએ કહ્યું કે, ''નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી ક્યારેય પણ લાગુ નહીં થાય. જો આમ થશે તો હું આત્મહત્યા કરી લઇશ. હું નરેન્દ્ર મોદીની સામે જ આત્મહત્યા કરી લઇશ પણ આ બિલ ક્યારેય લાગુ નહીં થવા દઉં.'' ઉલ્લેખનીય છે કે, મેઘાયલની બે લોકસભા બેઠક પર ગઇકાલે મતદાન યોજાઇ ગયુ. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ આસામના સિલ્ચરમાં અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કહ્યું હતું કે, બીજેપી નાગરિકતા (સંશોધન) વિધેયક અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (એનઆરસી) બિલને પાસ કરાવવા સંકલ્પબદ્ધ છે.