નવી દિલ્હીઃ રાજનીતિમાં એક વધુ એક પ્રખ્યાત કલાકારની એન્ટ્રી થઇ છે. ગાયક દલેર મેહન્દી આજે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં સામેલ થઇ ગયા છે. તેમને બીજેપીના વરિષ્ઠ નેતા વિજય ગોયલ, કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન, મનોજ તિવારી અને નોર્થ વેસ્ટ દિલ્હીથી બીજેપીના ઉમેદવાર હંસરાજ હંસની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દલેર મેહન્દીની પુત્રીના લગ્ન હંસરાજ હંસના પુત્ર સાથે થયા છે.


દલેર મેહન્દી પંજાબી ગીતો માટે ફેમસ છે. તાજેતરમાંજ અભિનેતા સની દેઓલ બીજેપીમાં સામલે થયા હતા અને પાર્ટીએ તેમને ગુરુદાસપુરથી ટિકીટ આપી છે. હંસરાજ હંસ 2016થી બીજેપીમાં છે અને પાર્ટીએ તેમને ઉદિત રાજની ટિકીટ કાપીને નોર્થ વેસ્ટથી દિલ્હીથી ટિકીટ આપી છે. માનવામાં આવી રહ્યુ છે કે, દલેર મેહન્દીને પણ પંજાબની કોઇ બેઠક પરથી મેદાનમાં ઉતરી શકે છે.

પંજાબની 13 બેઠકો માટે 19 મેએ મતદાન થનાનું છે. પંજાબમાં બીજેપી અકાલી દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યું છે. અકાલી દળ 10 અને બીજેપી 3 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અકાલી દળે ચાર, બીજેપીએ બે, કોંગ્રેસે ત્રણ અને આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર જીત મેળવી હતી.