અમદાવાદઃ કોંગ્રેસથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને બનાસકાંઠા અને ઉંઝાના ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરવાની જાહેરાત કરી છે. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાના સ્વરૂપજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડવાના છે. અલ્પેશ ઠાકોર તેમના માટે પ્રચાર કરવાનો છે.




તેમનું પૂરું નામ સ્વરૂપજી સરદારજી ઠાકોર છે અને તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. તેમની ઉંમર 37 વર્ષ છે.તેઓ વાવ તાલુકાના બીયોક ગામના વતની છે. તેમના પરિવારમાં પત્ની ભાવનાબેન ઠાકોર બે દીકરી દિપીકાબેન અને રાધિકાબેન, જ્યારે બે દીકરા વિક્રમ અને જયવિર છે. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસના રાજીનામાને તેમણે યોગ્ય ગણાવ્યો હતો અને આગળની રણનીતિ હવે નક્કી કરીશું, તેમ જણાવ્યું હતું.



બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ લોકસભા લડી રહ્યાં છે. બનાસકાંઠા એ ઠાકોર સમાજનાં વર્ચસ્વ ધરાવતી બેઠક છે, જેમાં લોકસભાની ટિકીટ કોંગ્રેસ પાસે ઠાકોર સમાજે માગી હતી. જોકે કોંગ્રેસ દ્વારા ટિકીટ ન આપતાં ઠાકોર સેનાનાં કાર્યકરોએ અલ્પેશ ઠાકોર સાથે મુલાકાત કરી હતી. અલ્પેશ પણ કોંગ્રેસથી નારાજ હોવાથી અપક્ષ ચૂંટણી લડવા સમર્થન આપ્યું હતું. સાથે પ્રચારમાં આવવાની વાત પણ કરી હતી.



ઠાકોર સેનાનાં ઉમેદવારે જણાવ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસને સમર્થન આપ્યાં બાદ કોંગ્રેસ અવગણનાં કરી છે, જેથી આ નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોર અમારી ચૂંટણીનાં પ્રચાર અર્થે આવશે તેવી ખાતરી આપી છે.