હૈદરાબાદ: તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા કેસીઆર રાવ ફરીથી તેલંગણામાં સરકાર રચશે. તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણમાં વિધાનસભાની 119 બેઠકોમાંથી ટીઆરએસ 94 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કોગ્રેસ 15 અને ભાજપ 2 અને અન્ય આઠ બેઠકો પર આગળ ચાલી રહી છે.
પ્રારંભિક વલણમાં ટીઆરએસના કાર્યકર્તાઓ ખુશીઓ મનાવી રહ્યા છે. હૈદરાબાદમાં પાર્ટીના હેડક્વાર્ટર બહાર હજારોની સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે. ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કાર્યકર્તાઓ મિઠાઇઓ વહેંચી ડાન્સ કરી ઉજવણી કરી રહ્યા છે.
કોગ્રેસ પ્રદેશ કોગ્રેસ કમિટીના નેતા ઉત્તર કુમાર રેડ્ડીએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇવીએમ વોટિંગમાં ગરબડ થવાની આશંકા છે. કોગ્રેસના તમામ નેતાઓ ફરિયાદ કરશે.
તેલંગણામાં 7 ડિસેમ્બરના મતદાન યોજાયું હતું જેમાં 67 ટકા મતદાન થયું હતું. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા સપ્ટેમ્બરમાં વિધાનસભા ભંગ કરી હતી અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. તેલંગણામાં સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિનું સૌથી મોટી પાર્ટી બનવું નક્કી છે. પરંતુ વિપક્ષી ગઠબંધન પ્રજા કુટમી અટલે કે પીપલ્સ અલાયન્સથી ટક્કર મળી શકે છે. ટીઆરએસને વિપક્ષી ગઠબંધનથી હૈદરાબાદમાં ટક્કર મળી શકે છે. કારણ કે અહીં વિપક્ષી ગઠબંધન વધારે મજબૂત છે.
ઉતર તેલંગણાની 50 બેઠકો પર ટીઆરએસને હરાવવું મુશ્કેલ છે, કારણ કે 2014માં આ પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જ્યારે દક્ષિણ તેલંગણાની 60થી વધારે બેઠકો પર વિપક્ષી ગઠબંધનની જીતની સંભાવના વધારે છે. રાજ્યની 119 બેઠકોમાંથી 100 બેઠકો પર ટીઆરએસ અને પ્રજા કુટમી વચ્ચે સીધી ટક્કર છે. આ સાથે જ મુસ્લિમ વોટ બેંકના સમર્થન વાળી AIMIMની ગત વિધાનસભા ચૂંટણીમાં જીતેલી 7 બેઠકો પર દબદબો છે. તેલંગણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ટીઆરએસની સત્તામા પરત ફરવાના સંકેત છે.