નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને હજુ કેટલોક સમય બાકી છે પરંતુ નેતાઓ અને પાર્ટીઓ પોતાની રણનીતિ પર કામ કરવાનુ શરૂ કરી દીધું છે. બિહારમાં બેઠકોની વહેંચણીને લઇને નારાજ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સોમવારે બપોરે તેમણે વડાપ્રધાન મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે કુશવાહા મહાગઠબંધનમાં સામેલ થઇ શકે છે.

મંગળવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે તે અગાઉ આજે એનડીએની બેઠક છે. આ બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહાએ હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે ઉપેન્દ્ર કુશવાહાના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે સારા સંબંધો નથી. તે સતત નીતિશ કુમાર અને ભાજપ વિરુદ્ધ બોલી રહ્યા છે. વાસ્તવમાં કુશવાહાની માંગ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ચાર બેઠકો આપવામાં આવે પરંતુ ભાજપ તેમને બે બેઠકો આપવા પર મકકમ છે. આ કારણ છે કે તે સતત તેનો વિરોધ કરી રહ્યા છે. સૂત્રોના મતે બિહારની લોકસભાની 40 બેઠકોમાંથી 17 પર ભાજપ અને 17 બેઠકો પર જેડીયુ ચૂંટણી લડી શકે છે જ્યારે બાકીની બેઠકો એલજીપી અને આરએલએસપીમાં વહેંચવામાં આવશે. નોંધનીય છે કે પાંચ રાજ્યોના પરિણામ આવ્યા અગાઉ એક્ઝિટ પોલમાં કોગ્રેસના વિજયની સંભાવનાઓ વ્યક્ત કરી છે.