અમદાવાદઃ ગઈ કાલે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બાકીના ત્રણ ઉમેદવારોની ભાજપ આજ રાત સુધીમાં જાહેરાત કરી શકે છે. મહેસાણા, અમદાવાદ પુર્વ અને સુરત લોકસભા બેઠક પર હજુ સુધી ઉમેદવારની જાહેરાત બાકી છે.



કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 13 ઉમેદવારોની જાહેરાત બાકી છે. આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્લી ગયા છે. અહીં તેઓ સ્ક્રીનિંગ કમિટીમાં દાવેદારોની યાદી રજૂ કરશે. આ પછી આજે રાતે અથવા તો કાલે બાકીના ઉમેદાવારોની જાહેરાત થઈ શકે છે. હવે ભાજપ અને કોંગ્રેસના બાકીના ઉમેદવારો પર સૌની નજર મંડાયેલી છે.



સુરત બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાંથી દર્શનાબેન જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અને અજય ચોક્સી (પૂર્વ મેયર)નું નામ ચાલી રહ્યું છે. તો મહેસાણા બેઠક પર જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અને જીવાભાઈ પટેલનું ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અને પૂર્વ મેયર અસિત વોરાનું નામ ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને ટિકીટ આપશે, તે જોવાનું રહ્યું.