અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહે અમદાવાદના સરખેજના વણઝર ગામથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જોડાયા છે. આ મેગા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ રોડ શો સરખેજથી શરૂ થયો છે અને વસ્ત્રાપુર ખાતે પૂર્ણ થશે.


નામાંકન ભરવાની પ્રક્રિયા બાદ હવે ગુજરાતમાં બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં મેગા રેલીઓ, સભાઓ ગજવવાનો દોર શરૂ કરી રહ્યા છે. 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાંથી મેગા રોડ શોની શરૂઆત કરી છે. અમિત શાહ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતમાં કરશે. અમિત શાહનો રોડ શો સરખેજ, વેજલપુર અને સાબરમતી વિસ્તારમાં પણ યોજાશે. 

અમિત શાહ ગુજરાતમાં 6, 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે. 6 એપ્રિલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં નિર્મલા સીતારમન જનતાને સંબોધન કરશે તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને અમિત શાહના પ્રચાર માટે નિર્મલા સિતારમન ગુજરાત આવી રહ્યા છે.