નવી દિલ્હીઃ કેરળની વાયનાડ બેઠક પરથી એનડીએએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ભાજપ અધ્યક્ષ  અમિત શાહે આજે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે ભારત ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી વાયનાડથી એનડીએના ઉમેદવાર છે. નોંધનીય છે કે વાયનાડથી કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.


રવિવારે કોગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. ત્યારબાદ આ બેઠક ચર્ચાનો વિષય બની છે. રાહુલ પ્રથમવાર કોઇ દક્ષિણ ભારતીય રાજ્યથી ચૂંટણી લડી રહ્યા છે. આ અગાઉ ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી પણ દક્ષિણથી ચૂંટણી લડી ચૂક્યા છે.


કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હંમેશા કહેતા આવ્યા છે કે અમેઠી તેમનું  કાર્યક્ષેત્ર રહ્યું છે અને રહેશે. પરંતુ દક્ષિણ ભારતથી સતત આવી રહેલી માંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોગ્રેસ તરફથી રાહુલનું  નામ આવ્યા બાદ ડાબેરીઓમાં હલચલ મચી ગઇ છે. ડાબેરીઓએ રાહુલને હરાવવાનો દાવો કર્યો હતો.