Voter ID Card: દેશના નાગરિકોને મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડની જરૂર પડે છે. 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે. વોટર આઇડી કાર્ડ વિના ક્ષેત્રના ધારાસભ્ય કે સાંસદને ચૂંટવા માટે મતદાન કરવા મળતું નથી. આ કારણ છે કે 18 વર્ષથી વધુ ઉંમર થયા બાદ તમામ લોકો પોતાનું વોટર આઇડી કાર્ડ બનાવી લે છે. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી પાસે બે ચૂંટણી કાર્ડ હોય તો શું થશે? શું બે ચૂંટણી કાર્ડ હોવા પર કોઇ નિયમ છે?


ભારતમાં 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો મતદાન કરી શકે છે. મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે. વોટર આઇડી ઓળખ અને એડ્રેસ પ્રુફના કામમાં આવે છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે મતદાન થશે.


બે ચૂંટણી કાર્ડ રાખવા પર શું થાય છે?


ચૂંટણી કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે. 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોને આ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી લોકો મતદાન કરી શકે. જો તમારી પાસે પણ બે અથવા બેથી વધુ ચૂંટણી કાર્ડ હોય તો તમને જેલ થઇ શકે છે. વાસ્તવમાં એકથી વધુ વોટર લિસ્ટમાં મતદાતા તરીકે રજિસ્ટર્ડ હોવું ગેરકાયદેસર ગણાય છે. એકથી વધુ મતવિસ્તારોનું વોટર આઇડી કાર્ડ રાખવું ગુનો માનવામાં આવે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ બે જગ્યાઓએથી મતદાતા બનવા પર એક વર્ષની જેલની સજા અથવા દંડ અથવા બંન્ને સજાની જોગવાઇ છે. એટલે કે દોષિત સાબિત થાય તો એક વર્ષની જેલની સજા થઇ શકે છે.


એક ચૂંટણી કાર્ડ કરાવો કેન્સલ


જો તમારી પાસે પણ બે ચૂંટણી કાર્ડ છે તો તમે એક રીતે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કોઇ  કારણોસર તમારી પાસે બે ચૂંટણી કાર્ડ હોય તો તમે પણ તેને રદ કરી શકો છો. આ માટે તમારે ફોર્મ નંબર સાત ભરવું પડશે. પછી તેને ચૂંટણી પંચની ઓફિસમાં જમા કરાવવું પડશે. તે સિવાય તમે  બીએલઓ, એમડીએમની ઓફિસમાં પણ આ ફોર્મ જમા કરાવી શકો છો.