રાજકોટ: થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને કોંગ્રેસે જવાબદારી સોંપી છે. કોંગ્રેસે નયનાબાને જામનગરના મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં હવે રાજકીય મતભેદોની ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા તો રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરી ભાજપને સપોર્ટની જાહેરાત કરી હતી.


દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરૂદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા હતા. એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

રાજકોટનાં કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંદોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ સમયે હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.

નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજા પણ ભાજપને સપોર્ટ કરે છે તેવું ટ્વિટ કર્યું હતું ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો આભાર માન્યો હતો અને વર્લ્ડ કપમાં સિલેક્ટ થવા બદલ શુભેચ્છા પણ પાઠવી હતી.