ગાંધીનગર: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. દરેક વિસ્તારના નેતાઓ પોતાની દેવાદારી નોંધાવી રહ્યા છે. ત્યારે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે.




ગુજરાતની 26 બેઠકો માટે હાલના સાંસદોએ તેમને ફરી ટીકિટ મળે તે માટે પૂરી તાકાત લગાવી દીધી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, હાલના 50 ટકા સાંસદોની ટીકિટ કપાય તેવી શક્યતા છે. જેમાં ગુજરાતના ઘણી બેઠકો પર જૂના સાંસદોની ટીકિટ કપાય તેવી શક્યતા છે.



ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવાની માંગણી કરી રહ્યા છે. જ્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આનંદીબહેન પટેલ પણ ચૂંટણી લડવા માંગે છે.



આ બેઠક માટે નટુજી ઠાકોર, ડો.નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલને ગાંધીનગર બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠક માટે પૂર્વ સહકાર મંત્રી વાડીભાઈ પટેલ, અનાર પટેલ, નરહરિ અમીન સહિતના નામો પણ ચર્ચામાં છે.