નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તની જેમ રાજકારણમાં પ્રવેશી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 59 વર્ષનો  સંજય દત્ત આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય દત્ત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના મતે એસપી અને બીએસપી બંન્ને પાર્ટીઓ સંજય દત્તને પોતાની સાથે જોડાવા માટે આતુર છે. જોકે, હજુ સુધી આ વાતને પુષ્ટી મળી શકી નથી.


રસપ્રદ વાત એ છે કે સંજય દત્તે 2013 અરશદ વારસી, વિવેક ઓબેરોય, મીનીષા લાંબા સાથે જિલ્લા ગાઝિયાબાદ નામની ફિલ્મમા  કામ કર્યું હતું. સંજયે થોડા વર્ષો અગાઉ સમાજવાદી પાર્ટી જોઇન કરી હતી. જોકે, સંજય વધુ દિવસો સુધી આ પાર્ટી સાથે  જોડાયેલો રહ્યો નહીં. સંજયે કહ્યું હતું કે, રાજકારણની દુનિયા ખૂબ અલગ છે.

નોંધનીય છે કે સંજયના પિતા સુનીલ દત્ત એક્ટર હોવાની સાથે કોગ્રેસના સાંસદ અને રમતગમત મંત્રી રહી ચૂક્યા હતા. તેમની બહેન પ્રિયા દત્ત મુંબઇથી લોકસભાની સાંસદ રહી ચૂકી છે. આ વર્ષે પણ કોગ્રેસે તેમને લોકસભાની ટિકિટ આપી છે.