નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે પુર્ણ થયું હતું. આ ચૂંટણીમાં લોકસભાની 543માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણી પરિણામો 23 મેનાં રોજ જાહેર થશે. બીજી તરફ પરિણામો પહેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે.

આ બધાં વચ્ચે સોશિયલ મીડિયા પર તસવીરો દ્વારા વાયરલ થયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદીએ રવિવારે સાતમાં તબક્કા માટે મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશના દેવરિયા જનપદમાં પીળી સાડીવાળી રીના દ્વિવેદીએ પોતાનો મત પોતાનાં સાસરીયાના ગામ પંસરહીમાં આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રીના દ્વિવેદી લખનઉમાં પીડબલ્યુડીમાં ફરજ બજાવે છે. તેમણે રવિવારે પોતાનાં ગૃહનગર દેવરિયામાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મીડિયાએ તેમને સવાલ કર્યો હતો કે, તમે તમારા ગ્લેમરસ સ્ટાઈલનાં કારણે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા તો તેમનો જવાબ હતો કે પહેલી વાતમાં ગ્લેમરસ સ્ટાઈલની વાતને હટાવવા માંગીશ.

તેમણે કહ્યું કે, તે સમયે મહિલા ભારતીય પરિધાનમાં પોતાની ડ્યૂટી પર જઈ રહ્યા હતા. લખનઉથી પોતાનું મતદાન કરવા માટે અહીં આવી છું. મતદાન આ દેશનાં દરેક નાગરિકની જવાબદારી છે. જ્યારે રીના દ્વિવેદી મતદાન કરવા પહોંચ્યા ત્યારે બુધ પર હાજર તમામ લોકો જેમાં સરકારી કર્મચારીઓ પણ હતા તે દરમિયાન તમામે રીના દ્વિવેદી સાથે સેલ્ફી લીધી હતી.

પીળી સાડીવાળી રીના દ્વિવેદી જે પોતે ચૂંટણીમાં અધિકારી રહી ચુક્યા છે તેમણે તમામ નિયમો અને કાયદા તોડતા પોતાની ગાડી મતદાન કેન્દ્રની અંદર લઈને ગયા હતાં. આ સાથે પોતાનો મોબાઈલ પણ લઈને ગયા હતા અને કોઈ સરકારી કર્મચારીએ પણ તેમને અટકાવ્યા નહોતા.