મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનનો દબદબો સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 30 મિલિયન એટલે ત્રણ કરોડને પાર કર્યો છે. આ ખાસ તક પર સલમાન ખાને પોતાના ફોલોઅર્સને અલગ અંદાજમાં આભાર માન્યો હતો. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરતા પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયામાં સલમાન ખાનનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો એક બૂમરેંગ વીડિયો છે. આ વીડિયોમાં સલમાન ખાનને સેલ્યૂટ અને હાથ જોડીને ફોલોઅર્સનો આભાર કરતા જોઈ શકાય છે. આ સાથે જ વીડિયો પોસ્ટ કરતા સલમાન ખાને લખ્યું, 'ઉઈ...માં ત્રીસ મિલિયન, આપ તમામને થેંક્યૂ.'


ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરવામાં આવે તો આ મામલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સૌથી આગળ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 50.8 મિલિયન ફોલોઅર્સ છે. 50 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર તે પ્રથમ ભારતીય છે. ત્યારબાદ પ્રિયંકા ચોપરાનો નંબર આવે છે જેણે હાલમાં જ 50 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. 44.6 મિલિયન ફોલોઅર્સ સાથે દીપિકા પાદૂકોણ ત્રીજા સ્થાન પર છે.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો સલમાન ખાન રાધે ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની સ્ક્રીન શેર કરતી જોવા મળશે.