નવી દિહીઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમ શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોરના પીઆઇબી કોન્ફરન્સ હોલમાં આયોજીત કરવામાં આવ્યો હતો. ફિચર ફિલ્મોની 31 કેટેગરીમાં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 23 નોન ફિચર અને 31 ફિચર ફિલ્મમાં એવોર્ડ આપવામાં આવશે. બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘રેવા’ને મળ્યો છે.


આ ઉપરાંત સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે.તે સિવાય બેસ્ટ એક્ટરનો એવોર્ડ આયુષ્યમાન ખુરાના (અંધાધૂન) અને વિક્કી કૌશલ (ઉરી)ને મળ્યો હતો. ઉપરાંત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ સુરેખા સીકરી (બધાઇ હો) અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સ્વાનંદ કિરકિરેને મળ્યો હતો.

બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ અંધાધુનને આપવામાં આવ્યો છે. બોલિવૂડ઼ એક્ટર આયુષ્યમાન ખુરાના અને તબ્બૂ સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યુ હતું. તે સિવાય ફિલ્મ પદ્માવતને બેસ્ટ કોરિયોગ્રાફી અને સંજય લીલા ભણશાલીને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એન્ટરટેઇમેન્ટ ફિલ્મ એવોર્ડ ‘બધાઇ હો’ને આપવામાં આવ્યો છે. સાથે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકને બેસ્ટ બ્રેકગ્રાઉન્ડ મ્યૂઝિક એવોર્ડ મળ્યો હતો