નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા આમિર ખાન હાલ અમેરિકામાં છે. મિસ્ટર પરફેક્શનિસ્ટની એ આદત રહી છે કે જ્યારે તે કોઈ ફિલ્મોમાંથી બ્રેક લે છે ત્યારે મોટું કમબેક કરે છે. પછી ભલે તે ‘ગજની’ હોય કે પછી ‘દંગલ’ હોય. અહેવાલ છે કે ખાન પોતાની બોડી બનાવવા માટે અમેરિકા ગયા છે. તેની સાથે જ તે ત્યાં ખુદને પૂરી રીતે ટ્રાન્સફોર્મ પણ કરવાના છે.




હાલમાં જ ફિટનેસ ટ્રેનર જૈફે આમિર ખાનનો એક વીડિયો યુ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આમિર ખાન તેની સાથે વાત કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન જણાવે છે કે, તે અમેરિકા કોઇ કામ માટે આવ્યો છે. આવામાં તેણે વિચાર્યું કે જૈફ સાથે મુલાકાત કરી લઉં. આમિરે જણાવ્યું કે તે જૈફના ફિટનેસ વીડિયો બહુ જુએ છે. જૈફ સાથે વાતો કરવા ઉપરાંત આમિર ખાને તેની સાથે વર્કઆઉટ પણ કર્યું.


આમિર ખાન આજકાલ તેના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' પર કામ કરી રહ્યો છે. જેના કામ માટે આમિર ખાન અમેરિકા ગયો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કમાં આમિર ખાને રીષિ કપૂર સાથે પણ મુલાકાત કરી હતી.