Robbie Coltrane Passed Away: હોલીવુડની સુપરહિટ ફિલ્મ હેરી પોટર અને તેના પાત્રોને કોણ ભૂલી શકે. આ આઇકોનિક ફિલ્મમાં રુબસ હેગ્રીડની ભૂમિકા ભજવનાર હોલીવુડ સુપરસ્ટાર રોબી કોલટ્રેનનું અવસાન થયું છે. રોબી કોલટ્રેને 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. રોબી કોલટ્રેનના અવસાનથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.








રોબી કોલટ્રેને લીધા અંતિમ શ્વાસ


રોબી કોલટ્રેન છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 14 ઓક્ટોબરના રોજ, રોબી કોલટ્રેનનું સ્કોટલેન્ડના લાર્બર્ટમાં તેમના ઘરની નજીકની હોસ્પિટલમાં નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રોબી કોલટ્રેનની તબિયત બે-ત્રણ દિવસથી ખરાબ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં ડોક્ટરની દેખરેખ હેઠળ રોબી કોલટ્રેનને સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ શુક્રવારે જીવન અને મૃત્યુના સંઘર્ષ વચ્ચે રોબી જિંદગી  હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.


 




રોબી કોલટ્રેનના નિધનથી હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. હેરી પોટર ફિલ્મમાં રોબી કોલટ્રેન દ્વારા ભજવાયેલ હેગ્રીડનું પાત્ર ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું. દર્શકોને આ પાત્ર ઘણું પસંદ આવ્યું હતું. આ સાથે, વિવેચકોએ પણ રોબી કોલટ્રેનની અદભૂત અભિનયની પ્રશંસા કરી હતી.


રોબી કોલટ્રેનને આ ફિલ્મો માટે યાદ કરવામાં આવશે


માત્ર હેરી પોટર જ નહીં, પરંતુ આવી ઘણી ફિલ્મો અને ટીવી શ્રેણીઓ હતી, જેમાં રોબી કોલટ્રેને તેના શાનદાર અભિનયનો પરિચય આપ્યો હતો. હેરી પોટર ઉપરાંત, રોબી કોલટ્રેને જેમ્સ બોન્ડ (ગોલ્ડન આઈ), નેશનલ ટ્રેઝરી અને ટીવી શો ક્રેકરમાં સારી રીતે કામ કર્યું. તેના તમામ ચાહકો સોશિયલ મીડિયા પર રોબી કોલટ્રેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી રહ્યા છે.