મુંબઈ: ક્રાઈમ પેટ્રોલ, લાલ ઈશ્ક અને મેરી દુર્ગા જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ સોમવારે રાતે ઈન્દોર સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ લઈ જવાતા પ્રેક્ષાને મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રેક્ષા માત્ર 25 વર્ષની હતી અને તે એક વર્ષ પહેલા જ મુંબઈ આવી હતી.

પ્રેક્ષા લોકડાઉનમાં કામ ન મળવાના કારણે ઘણી પરેશાન હતી. જેનો અંદાજ તેના અંતિમ વોટ્સએપ સ્ટેટ્સ પરથી લગાવી શકાય છે.  તેણે આત્મહત્યા કરતા પહેલા વોટ્સએપ સ્ટેટ્સ લખ્યું હતું, 'સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના.' પરંતુ કોઈને ખબર નહોતી કે પ્રેક્ષાએ આ પોસ્ટના માધ્યથી પોતાની જિંદગી ખત્મ કરવાને લઈને સંકેત આપ્યો છે.

બે સપ્તાહ પહેલા જ ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મનમીત બાદ લોકડાઉન દરમિયાન આત્મહત્યા કરનાર પ્રેક્ષા બીજી એક્ટર છે. પ્રેક્ષા એક થિયેટર એક્ટર પણ હતી અને તેને ડાન્સનો પણ ખૂબ શોખ હતો.



હાલ તો પ્રેક્ષાના મોતને લઈને કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ તેની આત્મહત્યા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ લોકડાઉનમાં કામ નહી મળવાના કારણે પ્રેક્ષાએ આત્મહત્યા કરી હશે.

પ્રેક્ષા મધ્યપ્રદેશ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પાસ આઉટ હતી. તેની સાથે સ્કૂલમાં અભિનય શીખનારા અને થિયેટર આર્ટીસ્ટ પુનીત તિવારીએ એબીપી ન્યૂઝને જણાવ્યું, પ્રેક્ષા લોકડાઉન લાગૂ થયાના થોડા દિવસ પહેલા ઈન્દોરમાં પોતાના ઘરે પરત ફરી હતી. તે એક ખૂબ જ સારા અને સંપન્ન પરિવારમાંથી હતી. એવામાં તેની આત્મહત્યાના સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે. તે એક હસમુખી છોકરી હતી.