બેંગલુરુઃ કન્નડ ફિલ્મોની એક ઉભરતી એક્ટ્રેસે એક જાણીતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

એક્ટ્રેસે પોલીસને પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તે ગાંધી નગરના જાણીતી કોફી રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત મોહિત નામના યુવક સાથે થઈ હતી. મોહિતે પોતાનો પરિચય એક પ્લાઈવુડ અને હાર્ડવેરની વસ્તુ બનાવતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે આપી હતી. બન્નેએ એક બીજાનો મોબાઈલ નંબર લીધો હતો.

થોડા દિવસ પહેલા મોહિતે તેને કોલ કરી કહ્યું કે, કંપની તેની પ્રોડક્ટના પ્રચાર માટે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે.  ત્યાં મોહિતે તેને કોલ્ડ ડ્રિંક્સમાં ઉંઘની ગોળી મેળવીને પીવડાવ્યું હતું. તે બેભાન થઈ ગઈ તો તેના પર બળાત્કાર કર્યો. તેની અશ્લીલ તસવીર લીધી અને વીડિયો બનાવ્યો હતો.

20 જૂન, 2019ના રોજ મોહિતે તેના ઘરે પોતાની બર્થડે પાર્ટી માટે બોલાવી હતી. ત્યાં પણ તેનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેની અશ્લીલ તસવીરો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી.

પીડિતનું કહેવું છે કે, મોહિતે તસવીર અને વીડિયો ક્લિપ બતાવીને તેને ઘણી વખત બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા લઈ ચૂક્યો છે. કંપનીમાં આર્થિક સંકળામણનું કહીને પણ તે લાખો રૂપિયા લઈ ગયો હતો. પીડિતાએ ફરિયાદ કરી છે કે મોહિતે તેની પાસેતી અંદાજે 20 લાખ રૂપિયા લીધા છે.

મોહીતે તેની તસવીરો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે નાયંડહલ્લી સ્થિતિ મોહિતના ફ્લેટ પર રેડ પાડી હતી. તે પરિવારના સભ્યોની સાથે ફરાર છે અને બે દિવસ પહેલા જ તેણે ફ્લેટ ખાલી કરી દીધો હતો. હવે પોલીસ તેને શોધી રહી છે.