મુંબઈઃ ઉત્તરાખંડી ગીતો અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ રીના રાવતનું ગુરુવારે હાર્ટ એટેકેથી આકસ્મિક નિધન થયું. ‘પુષ્પા છોરી...’ ગીત પર અભિનયના દમ પર ઓળખ બનાવનારી રીના રાવતના નિધનના સમાચારથી ઉત્તરાખંડ ફિલ્મ અને સંગીત જગતમાં શોકની લહેર છે. કહેવાય છે કે, રીના છેલ્લાં ઘણાં સમયથી બીમાર ચાલી રહી હતી. રીના ‘પુષ્પા છોરી...’ લોકગીત ઉપરાંત ભગ્યાન બેટી, માયાજાલ, ફ્યોંલી જ્વાન હ્વેગી સુપરહિટમાં અભિનય કરી ચૂકી છે.

રીના રાવતે ઉત્તરાખંડના અનેક દિગ્ગજ કલાકારોની સાથે કામ કર્યું છે. જેમાં પન્નૂ ગુંસાઈ, જયપાલ નેગી, ગીતા ઉનિયાલ વગેરેના નામ છે. 38 વર્ષની રીના રાવતે નાની ઉંમરમાં મોટી ઓળખ બનાવી હતી. તેની સાથે જ તેણે લોક કલા અને સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

રીનાની સાથે કામ કરનાર પન્નૂ ગુંસાઈએ ફેસબુક પેજ પર તેને યાદ કરતાં લખ્યું કે, 10 દિવસ પહેલા જ અમે મળ્યા હતા, જૂના દિવસોની વાત કરીને કેટલું હસી હતી તું. ક્યારેક ધર્મેન્દ્ર ચૌહાણને ચીડવતી તો ક્યારે મારી  મજાક કરતી. સાથે ટિકટોક વીડિયો બનાવ્યો, પરંતુ 12 માર્ચની સવારે ઉત્તરાખંડ ફિલ્મ જગત હચમચી ગયું. તું હંમેશા માટે અમને બધાને છોડીને ચાલી ગઈ, ઉત્તરાખંડ તમારા કાર્યને હંમેશા યાદ રાખશે.

કહેવાય છે કે, દિલ્હીની એક હોસ્પિટલમાં રીનીની સારવાર ચાલી રહી હતી. વર્ષ 2005માં રીનાના લગ્ન થયા હાત. તેને એક દીકરો પણ છે. રીનાના પતિ દીપક રાવત દિલ્હીમાં એક સરકારી વિભાગમાં કામ કરે છે. વર્ષ 2000થી લગભગ 8-10 વર્ષ રીના રાવત ઉત્તરાખંડી સિનેમાંમાં ચર્ચિત નામ રહ્યું છે.