મુંબઈ: પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું હતું. જેને લઈને માત્ર બોલિવુડ જ નહીં ટેલિવુડ જગતના એક્ટર્સ પણ દુઃખી જોવા મળ્યાં છે. ત્યારે અરુણ જેટલીની ભત્રીજી અને ભત્રીજો એટલે કે ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને એક્ટર અક્ષય ડોગરા આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે. એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ સોશિયલ મીડિયા પર પોતાના ફુઆને શ્રદ્ધાંજલિ પાઠવી છે.


ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને રિટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. રિદ્ધિએ બ્રોકન અને સેડ ઈમોજીનો યૂઝ કરીને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે અક્ષય પણ ફુવાના નિધનથી દુઃખી જોવા મળ્યો હતો.


ઉલ્લેખનીય છે કે 2014માં રિદ્ધિએ ફુઆ અરુણ જેટલી માટે પ્રચાર કર્યો હતો. તે સમયે તેઓ અમૃતસરથી ચૂંટણી લડ્યા હતાં. રિદ્ધિ-અક્ષય ભાઈ-બહેન છે અને છેલ્લા ઘણાં સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.